શિવના સોળ સ્વરૂપો

શિવના સોળ સ્વરૂપો

શિવ શબ્દનો અર્થ કલ્યાણકારી એવો થાય છે. તેથી અતિ સામાન્ય લાગતો એવો આ શિવ શબ્દ મહાશકિતવર્ધક છે. શિવ શબ્દમાં “શિ = આનંદ”, “ઈ = ઈશ્વર”, “વ = શકિત”. આમ શિવ એટલે સત્, ચિત્, આનંદ સ્વરૂપ પરમાત્મા એવો ભાવાર્થ પ્રગટ થાય છે. તેથી કહેવાય છે કે, શિવ શબ્દમાં બ્રહ્માંડના સર્જનનું બીજ રહેલું છે. તેમજ જીવના જન્મ અને જીવનના સર્જન ક્રમનું બીજ પણ શિવમાં જ રહેલું છે. આપણા નિર્જીવ શરીર માં જયારે શિવરૂપી પ્રાણ શકિતત પુરાય ત્યારે શરીર ચેતન બને છે. તેમાં બુદ્ધિ, મન, ચિત્ આદિ આંતરિક શકિતઓનો ઉમેરો થાય છે. જેથી આપણું શરીર કાર્ય કરવા તેમજ જ્ઞાન મેળવવા પાત્ર બને છે. જો આ શરીરમાં શિવની શક્તિ ન હોય તો શરીર શવ બની જાય છે. માટે જ જીવે શિવ તત્વનું ચિંતન કાયમને માટે કરતા રહેવું જોઈએ. આપણા સત્ય સનાતન હિન્દુ ધર્મમાં શિવની આરાધના નિર્ગુણ શિવલીંગને કેન્દ્રમાં રાખીને કરવાના વિધિ-વિધાનો સુચવવામાં આવ્યા છે. પરંતુ આદિકાળમાં તો શિવલીંગનું મહત્વ વધારવા માટે શિવલીંગ ઉપર શિવજીની પ્રતિમાનું શિલ્પ કોતરવામાં આવતું હતું. સોમનાથનું શિવલીંગ તેમજ નેપાળનું પશુપતિનાથનું શિવલીંગ તેના સચોટ ઉદાહરણો છે. આ ઉપરાંત પૌરાણિક ગુફાઓ જેવી કે એલીફન્ટા, અજંતા-ઈલોરા કે ખજુરાહોની ગુફાઓમાં પણ શિવજીનું વ્યકિતત્ત્વવ, ગુણો તથા તેમની કથાઓના પ્રતિકરૂપે શિવજીના સોળ સ્વરૂપના વર્ણનો કાંસા અને પથ્થરો ઉપર મૂર્તિઓ બનાવી કોતરવામાં આવ્યા છે. માટે કહી શકાય કે શિવની નિર્ગુણ આરાધના શિવલીંગ રૂપે અને સગુણ આરાધના તેના સોળ સ્વરૂપે કરવામાં આવે છે. જે સોળ સ્વરૂપો જાણવા જેવા છે.

1. સત્યમ્, શિવમ્, સુંદરમ્ સ્વરૂપ

સત્યમ્, શિવમ્, સુંદ૨મ્ સ્વરૂપ મુર્તિ એ શિવના ત્યાગી અને ગૃહસ્થ જીવનને દર્શાવતી મૂર્તિ છે. મા-બાપે બાળક ઉપર ખૂબ જ પ્રેમ રાખવો જોઈએ કારણ કે બાળક એ માતા અને પિતાના પ્રેમને જોડનારી કડી છે. તેથી આ સ્વરૂપમાં શિવ-પાર્વતીની વચમાં બાળક રૂપે કાર્તિકે સ્વામીને મુકવામાં આવ્યા છે. શિવજી એટલે શિવમ્, કાર્તિક એટલે સત્યમ્, પાર્વતી એટલે સુંદરમ્. આમ સત્યમ્ શિવમ્ સુંદરમ્ની મૂર્તિ એક પારિવારીક એકતાનું પ્રતિક છે.

2. ચંદ્રશેખર

ચંદ્રશેખર સ્વરૂપમાં શિવજીની જટામાં અર્ધચંદ્ર જોવા મળે છે. સમુદ્ર મંથન સમયે બીજ નો ચંદ્ર ઉત્પન્ન થયો. આમ આવા અર્ધચંદ્રને અપંગ ગણવામાં આવ્યો, તદ્‌ઉપરાંત ચંદ્રને દોષિત પણ ગણવામાં આવ્યો. આમ શિવજીએ ઉદાર દિલના હોવાથી એ ચંદ્રને પોતાના માથા ઉપર સ્થાન આપ્યું. આમ, ચંદ્ર જેમ શીતળતાનું પ્રતિક છે, તેમ શિવજી ઉદારતાના પ્રતિક છે તેથી ચંદ્રશેખર કહેવામાં આવે છે. આ સ્વરૂપ આપણને બોધ આપે છે કે જીવનની અંદર બધાને શીતળતા આપવી જોઈએ અને દરેક પ્રાણી પ્રત્યે ઉદારભાવ રાખીને પોતાની અંદર સમાવવા જોઈએ.

3. વૃષભવાહન

વૃષભ બરાબર આખલો, નંદી આ સ્વરૂપમાં શિવજી નંદી ઉપર સવાર જોવા મળે છે. વૃષભ એ શિવજીનું વાહન છે. તદ્ઉપરાંત વૃષભ એ બળનું પ્રતિક છે. તેથી આ સ્વરૂપ બોધ આપે છે કે, આપણા બળ ઉપર કાબુ રાખવો જોઈએ. તદ્‌ઉપરાંત તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

4. નટરાજ

નટ એટલે નૃત્ય, શિવજીની નૃત્ય કરતી મૂર્તિને નટરાજ તરીકે ઓળખાય છે. સમગ્ર બ્રહ્માંડ એ શિવજીની ભવ્ય નૃત્ય શાળા છે. નટરાજ જયારે નૃત્યની શરૂઆત કરે છે ત્યારે સમગ્ર વિશ્વમાં પ્રવૃતિનો સર્જનને વેગ મળે અને જયારે નૃત્ય બંધ થાય ત્યારે સમગ્ર સૃષ્ટિ નટરાજમાં લીન થઈ જાય છે અને નટરાજ શિવજી સમાધિમાં મગ્ન બની જાય છે. આ નટરાજનું સ્વરૂપએ રૂદ્ર સ્વરૂપ છે.

5. ગંગાધર

કોઈ વ્યકિત સારું કાર્ય કરતી હોય તો તેમાં સાથ આપવો જોઈએ એ સજ્જનનાં લક્ષણનું પ્રતિક આ ગંગાધરની મૂર્તિ છે. તેથી શિવજીના મસ્તક પર ગંગા દર્શાવાય છે. આ ઉપરાંત આ મૂર્તિમાં શિવજીની જોડે પાર્વતીજીની પણ મૂર્તિ કંડારવામાં આવી છે. જેમાં પાર્વતીજીના મુખ ઉપર શિવજી પ્રત્યે ઉપેક્ષાના ભાવો બતાવવામાં આવ્યા છે. જે સુચવે છે કે પોતાનો પતિ બીજી પત્નિ લાવે તે કોઈપણ સ્ત્રીને ગમતું નથી. આમ પતિવ્રતા ધર્મની મહત્તા ગંગાધર સ્વરૂપમાં જોવા મળે છે.

6. ત્રિપુરાંતક

તારકાસુરના ત્રણ પુત્રોએ બ્રહ્મા પાસેથી વરદાન રૂપે ત્રણ નગરો એવા પ્રાપ્ત કર્યા હતા કે જે ગમે ત્યાં જઈ શકે. આ ત્રણ નગર સોના, ચાંદી તથા લોખંડના બનેલા હતા. જે રજોગુણ, સત્યગુણ અને તમોગુણના પ્રતિક છે. મનુષ્ય જ્યારે આ ત્રણેય ગુણોથી પર થાય ત્યારે તે પરમાત્માને પામે છે. શિવજીએ આ ત્રણેય નગરોનો નાશ કર્યો હોવાથી તે ત્રિપુરાંતક કહેવાયા.

7. કલ્યાણ સુંદર

લગ્ન મનુષ્યના જીવનને દૈવત્વ તરફ લઈ જાય છે. એ ભાવનાના પ્રતિક રૂપે આ સ્વરૂપ રચાયું છે. આદર્શ લગ્ન જીવથી શિવ-પાર્વતી દંપતીઓના ઉપાસ્ય દેવ બન્યા છે.

8. અર્ધ નારેશ્વર

સ્ત્રી અને પુરૂષ એકબીજાના પુરક હોય, બન્નેએ પરસ્પર સહકારથી જીવન સુખી બનાવવું જોઈએ. એ ભાવનાના પ્રતિકરૂપે આ સ્વરૂપ દર્શાવાયું છે.

9. પશુપતિ

શિવજી પ્રાણી માત્રના રક્ષક છે એટલે શિવજી ભકતોએ પણ જીવ હિંસા કરવી ન જોઈએ.

10. કંકાલ સ્મૃતિ

શિવજીના કંઠના ખોપરીની માળા દર્શાવવામાં આવી છે. તદ્ઉપરાંત આસપાસ ભૂત-પિશાચ દર્શાવ્યા છે. આમ, શિવજી દરેક જીવયોનિમાં ઉધ્ધારક છે અને બધાને મુક્તિ આપે છે. એ અર્થે આ સ્વરૂપ દર્શાવાયું છે.

11. હરિહર મૂતિ

હરિ અને હર જુદા નથી એક જ છે, તે પ્રમાણે દરેક ધાર્મિક જાતિના દેવતા એક જ છે, એ પ્રમાણે દર્શાવવામાં આવે છે.

12. ભીક્ષાટન મૂર્તિ

શિવજી ભિક્ષુક રૂપે આપણી પાસે પરીક્ષા કરવા દરવાજે આવે છે. એ માટે દરેક આંગણે આવનાર આત્માને પ્રેમપૂર્વક ભીક્ષા આપવી જોઈએ અને સંતુષ્ટ કરવા જોઈએ એ ભાવનાથી આ સ્વરૂપ દર્શાવાયું છે.

13. ચંડેશ

ચંડેશ નામનો ભક્તએ શિવજીના માટીના લીંગની પૂજા કરતો હતો. તેના બાપે ગુસ્સાથી લાત મારી શિવલીંગને તોડી નાંખ્યું. ચંડેશે પિતાનો પગ કાપી નાખ્યો. તેથી શિવજી તેના પર પ્રસન્ન થયા. આમ પોતાના ધર્મના રક્ષણ ખાતર યોગ્ય પ્રતિકાર આપવો એ અર્થમાં આ સ્વરૂપ દર્શાવાયું છે.

14. દક્ષિણ મૂર્તિ

વડના વૃક્ષ નીચે બેઠેલી મૂર્તિ દર્શાવાય છે. વડ વૃક્ષોના સમુહની પાસે જમીન પર બેઠેલા સર્વ મુનિજનોને જ્ઞાન આપના૨ ત્રણેય ભુવનના ઈશને આ દક્ષિણ મૂર્તિ તરીકે દર્શાવવામાં આવ્યા છે.

15. કાલ દહન

શિવજીનું પંદરમું સ્વરૂપ કાલદહન નામથી ઓળખાય છે. આ સ્વરૂપમાં શિવજીના મુખ પર ભયંકરતા દર્શાવેલી છે. આ સ્વરૂપ પાછળ કથાએ છે કે, માંકૅડેય મૃત્યુના નિશ્ચિત સમયે શિવલીંગની પૂજા કરતો હતો. ત્યાં યમરાજા આવ્યા ત્યારે શિવજીએ શિવલીંગમાંથી પ્રગટ થઈ યમરાજને લાત મારી કાઢી મુક્યા હતા.

16. લીંગોદ્‌ભવ મૂર્તિ 

આ સમગ્ર વિશ્વનો કોઈ અંત નથી તથા એ અમાપ છે, તે દર્શાવવા એક પૌરાણિક કથા છે. બ્રહ્માગ્નિ રૂપે પ્રગટ થયેલ સ્તંભના ઉપરના ભાગની શરૂઆત શોધી કાઢવા બ્રહ્મા હંસ ઉપર બેસી ઉપરની તરફ ઉડયા. તેમ વિષ્ણુ સ્તંભની નીચેની બાજુ ગયા પરંતુ બન્નેમાંથી એકેય આ વિશ્વનો પાર પામી શક્યા નહી. વિશ્વનું આ વિરાટ સ્વરૂપ માનવીને એની મર્યાદાઓ સમજાવી અભિમાન રહિત બનાવે છે.

નિષ્કર્ષ:

શિવ આરાધનાના આ સોળ સ્વરૂપોની સોળ મુર્તિઓ માનવીમાં કયા કયા દેવીગુણો હોવા જોઈએ એ સમજાવે છે. આમ પણ સંસ્કાર અને ગુણો આપણા જીવન જીવવાની, જીવનને માણવાની અને જીવનને પ્રસ્તુત કરવાની આધાર શિલા છે. તેથી જ શિવના આ સોળ સ્વરૂપો સુચવે છે કે, જીવ માટે શિવ સમાન કોઈ આરાધ્ય દેવતા નથી. જીવ માટે શિવ સમાન કોઈ પ્રકાશમાન ગતિ નથી અને દરેક જીવ માટે શિવ જેવો દાતા પણ કોઈ નથી, માટે તે દેવાધિદેવ મહાદેવ છે.